- ગીત* તા. 01/08/24
કશો શોક ના કરશો, કોઈ
કશો શોક ના કરશો.
પળે-પળે સર્જન-વિસર્જન,
એનો શો અભરખો ? (ધૃ)
મંકોડાને પાંખો આવી,
રાજા પાઠમાં ફરતો.
આજ આવ્યો તે કાલ જવાનો,
શું ગુમાન એ કરતો ?
‘છે’માંથી તે ‘હતો’ થવાનો,
આ તો કાળનો ચરખો...(૧)
જીવન-મૃત્યુ છે પડાવો,
ને પસાર એ કરતો.
દિન-રાતની જેમ બધાંયે
જન્મે-જન્મે ફરતો.
ભર્યા તળાવે કોરો નીકળે,
ફરક કાંઈ ના પડતો.....(૨)
બે પળ થોભી જો વિચારું,
કાયમ બ્હાર ભટકતો.
મન-મંદિરે કોણ બિરાજે,
ત્યાં નજર ના કરતો.
સ્વ-રૂપની જાણ થાય તો
સુખસાગર ઘૂઘવતો....(૩)
-‘કલમ’ ભૂપેશ રાવલ
Bhupesh Rawal ji